Thursday 8 September 2016

PARIMAL1781.BLOGSPOT.COM

  ગુજરાતી વેબજગતમાં ગુજરાતીના અસંખ્ય બ્લોગ અને વેબસાઈટ જોવા મળે છે, પરંતુ ગુજરાતી ભાષા - સાહિત્યના સંદર્ભ પુસ્તકોની ઉણપ હજી ઘણી જણાઈ આવે છે. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં ઉપયોગી સાહિત્ય આ પ્લેટફોર્મ પરથી સરળતાથી મળી રહે તે આશય છે. સાથે સાથે સ્પર્ધાત્મક યુગના આ સમયમાં લગભગ મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગુજરાતી ભાષાનું વ્યાકરણ, ગુજરાતી ભાષાની વખણાયેલી અને જાણીતી કૃતિઓ, ગુજરાતી સાહિત્ય સ્વરૂપો, સાહિત્યિક સંસ્થાઓ, સર્જકોના ઉપનામો વગેરે બાબતો પૂછાય છે. ગુજરાતી ભાષા- સાહિત્યને લગતી તમામ વિગતો એક જ જગ્યાએથી મળી રહે તે તાતી જરૂરિયાત છે. ઘણી જગ્યાએ બ્લોગમાં કે ખાનગી પ્રકાશનોમાં વિદ્યાર્થીઓને મળતી માહિતીમાં  વિશ્વસનીયતા પ્રાપ્ત થતી નથી. ત્યારે ગુજરાતી સાહિત્ય અને શિક્ષણને લગતી કેટલીક નોંધ કે વિશ્વસનીય માહિતી વાચકોને સરળતાથી મળી રહે તેવા શુભ આશય સાથે આપની સમક્ષ parimal1781.blogspot.com  બ્લોગ રજૂ કરતા આનંદની લાગણી અનુભવી રહ્યો છું. સાથે સાથે ગુજરાતી ગદ્ય - પદ્યનું આરોહ -અવરોહયુક્ત આદર્શ પઠન - વાંચન પણ સુપેરે વાચકોને મળી રહેશે. તજજ્ઞો દ્વારા કરવામાં આવેલો આ યત્ન વર્ગખંડો સુધી પહોંચે તો સોનામાં સુગંધ ભળશે. અહીં મુકવામાં આવેલી તમામ પોસ્ટ અને પુસ્તકો વિદ્યાર્થીઓ - શિક્ષકો - રસિકોના સાંદર્ભિક નોલેજ માટે જ છે, તે મારા અભ્યાસમાં આવેલા વિવિધ સંદર્ભ પુસ્તકોમાંથી અહીં મૂકવામાં આવી છે વળી વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી મળી રહેલા કેટલાક પુસ્તકો યથાતથ અપલોડ કરી મુક્યા છે. તેના દ્વારા કોઈ વ્યવસાયિક હેતુ સિદ્ધ કરવાનો બિલકુલ આશય નથી જ. સરસ્વતીના સુરુચિકર વાહકોને ગુજરાતી ભાષાના આ અમૂલ્ય ગ્રંથો ઇન્ટરનેટની દુનિયામાં સહજતાથી મળી રહે અને તે વાંચી, વિચારી વર્ગખંડોમાં તેનો સુચારુ વિનિયોગ થાય અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં તે ઉપયોગી બને તે માત્ર બ્લોગ બનાવવા પાછળનો આશય છે. મારી માતૃભાષાના વર્ગખંડોને સ્વર્ગખંડો બનાવવાની આ અલ્પમાત્ર મથામણ છે. ત્રુટીઓ સહજ છે જણાવશો તો અવશ્ય ગમશે અને સુધારવાનો અવકાશ પણ મળી રહેશે ને વળી મારા પરિશ્રમને યોગ્ય દિશા મળશે. ભાષાના ઉપાસકોને તેની ઉપાસનામાં મારી આ પ્રવૃત્તિ ઉપયોગી બનશે તો મારા આ નાનકડા પ્રયત્નની સાર્થકતા ગણાશે.


- મૂકેશ શિયાળ